રાજ્યપાલ: રાજ્યના બંધારણીય વડા
ભારતીય બંધારણના ભાગ-6 (અનુચ્છેદ 153 થી 167) માં રાજ્યની કારોબારી વિશેની જોગવાઈ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને રાજ્યના એડવોકેટ જનરલનો સમાવેશ થાય છે.
રાજ્યપાલ એ રાજ્યના 'બંધારણીય વડા' (Constitutional Head) છે. તેઓ કેન્દ્ર સરકારના 'પ્રતિનિધિ' (Agent) તરીકે પણ કાર્ય કરે છે. સામાન્ય રીતે દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ હોય છે, પરંતુ 7મા બંધારણીય સુધારા (1956) મુજબ એક જ વ્યક્તિ બે કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે રહી શકે છે.
નિમણૂક અને લાયકાત
અનુચ્છેદ 155 મુજબ રાજ્યપાલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તેઓ પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા કે પરોક્ષ રીતે કોઈ મંડળ દ્વારા ચૂંટાતા નથી.
લાયકાત (અનુચ્છેદ 157):
- ભારતનો નાગરિક હોવો જોઈશે.
- ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હોવી જોઈએ.
- તે સંસદ કે વિધાનમંડળના કોઈ ગૃહનો સભ્ય ન હોવો જોઈએ.
- કોઈ પણ લાભનું પદ ધરાવતો ન હોવો જોઈએ.
કાર્યકાળ અને શપથ
અનુચ્છેદ 156 મુજબ રાજ્યપાલ રાષ્ટ્રપતિની 'મરજી' (Pleasure of the President) હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. સામાન્ય રીતે તેમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ તેમને ગમે ત્યારે પદ પરથી હટાવી શકે છે અથવા બદલી શકે છે.
શપથ (અનુચ્છેદ 159): સંબંધિત રાજ્યની વડી અદાલત (High Court) ના મુખ્ય ન્યાયાધીશ દ્વારા લેવડાવવામાં આવે છે.
રાજ્યપાલની સત્તાઓ
- કારોબારી સત્તા: મુખ્યમંત્રીની નિમણૂક, મંત્રીઓની નિમણૂક, એડવોકેટ જનરલ, રાજ્ય ચૂંટણી કમિશનર અને રાજ્ય જાહેર સેવા આયોગ (SPSC) ના અધ્યક્ષની નિમણૂક.
- ધારાસભા સત્તા: વિધાનમંડળનું સત્ર બોલાવવું, વિખેરવું અને અનુચ્છેદ 213 હેઠળ વટહુકમ (Ordinance) બહાર પાડવો.
- ન્યાયિક સત્તા: અનુચ્છેદ 161 મુજબ સજા માફ કરવાની કે ઘટાડવાની સત્તા (પરંતુ તે મૃત્યુદંડ માફ કરી શકતા નથી).
- વિવેકાધીન સત્તા (Discretionary Powers): કોઈ પક્ષને બહુમતી ન હોય ત્યારે મંત્રીમંડળની પસંદગી, અથવા રાષ્ટ્રપતિ શાસન (Art 356) ની ભલામણ કરવી.
ખરડા પર મંજૂરી (Veto Powers)
અનુચ્છેદ 200 મુજબ જ્યારે કોઈ ખરડો રાજ્યપાલ પાસે આવે ત્યારે:
- તેઓ ખરડાને મંજૂરી આપી શકે.
- મંજૂરી રોકી રાખી શકે.
- પુનઃવિચારણા માટે પાછો મોકલી શકે (નાણા ખરડા સિવાય).
- ખરડાને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત (Reserve) રાખી શકે.
ગુજરાતના રાજ્યપાલ તથ્યો
- ગુજરાતના પ્રથમ રાજ્યપાલ: મહેંદી નવાઝ જંગ.
- ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ: શારદા મુખર્જી.
- બીજા મહિલા રાજ્યપાલ: ડો. કમલા બેનીવાલ.
- વર્તમાન રાજ્યપાલ: આચાર્ય દેવવ્રત.