૧. રાષ્ટ્રીય આવકનો અર્થ અને મહત્વ
કોઈ એક નાણાકીય વર્ષ (૧ એપ્રિલ થી ૩૧ માર્ચ) દરમિયાન દેશમાં ઉત્પાદિત અંતિમ ચીજવસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યના સરવાળાને ‘રાષ્ટ્રીય આવક’ કહેવામાં આવે છે.
- ટુંકી વ્યાખ્યા: દેશના લોકો દ્વારા કરવામાં આવેલી કુલ કમાણી.
- મહત્વ: દેશની આર્થિક સ્થિતિ જાણવા, અન્ય દેશો સાથે તુલના કરવા અને સરકારની નીતિઓ ઘડવા માટે રાષ્ટ્રીય આવકના આંકડા જરૂરી છે.
- ઐતિહાસિક આંકડા: ભારતમાં સૌથી પહેલા રાષ્ટ્રીય આવકની ગણતરી દાદાભાઈ નૌરોજી એ ૧૮૬૭-૬૮ માં કરી હતી (તે વખતે માથાદીઠ આવક ૨૦ રૂપિયા હતી).
૨. અગત્યના ખ્યાલો (GDP, GNP, NDP, NNP)
૧. GDP (Gross Domestic Product - કુલ ઘરેલું ઉત્પાદન): દેશની ભૌગોલિક સીમામાં (ટેરિટરી) ઉત્પાદિત તમામ વસ્તુઓ અને સેવાઓનું મૂલ્ય. (જેમાં વિદેશીઓ ભારત માં કમાય તે ગણાય, પણ ભારતીયો વિદેશમાં કમાય તે ન ગણાય).
૨. GNP (Gross National Product - કુલ રાષ્ટ્રીય ઉત્પાદન): GDP + વિદેશથી મળતી શુદ્ધ આવક (NFIA). તેમાં માત્ર ‘ભારતીય નાગરિકો’ ની કમાણી ધ્યાનમાં લેવાય છે.
૩. NDP (Net Domestic Product): GDP માંથી ઘસારો (Depreciation) બાદ કરતા જે મળે તેને NDP કહેવાય.
૪. NNP (Net National Product): GNP માંથી ઘસારો બાદ કરતા જે મળે તેને NNP કહેવાય.
- ખાસ નોંધ: NNP (at Factor Cost) ને જ સાચા અર્થમાં ‘રાષ્ટ્રીય આવક’ (National Income) માનવામાં આવે છે.
૩. માધ્યમ: બજાર કિંમત vs સાધન કિંમત (MP vs FC)
બે રીતે કિંમતો માપી શકાય:
- સાધન કિંમત (Factor Cost - FC): વસ્તુ બનાવવા પાછળ ઉત્પાદકના જે ખર્ચ (મજૂરી, ભાડું, વ્યાજ) લાગે તે.
- બજાર કિંમત (Market Price - MP): FC + પરોક્ષવેરા (Indirect Taxes) - સબસીડી (Subsidy).
- નોમિનલ જીડીપી: ચાલુ વર્ષના ભાવ પર ગણતરી.
- રિયલ જીડીપી: આધાર વર્ષ (Base Year - ૨૦૧૧-૧૨) ના સ્થિર ભાવો પર ગણતરી.
૪. રાષ્ટ્રીય આવક માપવાની ત્રણ પદ્ધતિઓ
૧. ઉત્પાદન પદ્ધતિ (Product Method): દરેક ક્ષેત્રમાં થયેલા કુલ મૂલ્યવર્ધન (Value Added) નો સરવાળો.
૨. આવક પદ્ધતિ (Income Method): લોકોની કમાણી - ભાડું, વેતન, વ્યાજ અને નફાનો સરવાળો.
૩. ખર્ચ પદ્ધતિ (Expenditure Method): દેશમાં થતા કુલ વપરાશી ખર્ચ, રોકાણ ખર્ચ, સરકારી ખર્ચ અને ચોખ્ખી નિકાસ (X-M) નો સરવાળો.
૫. રાષ્ટ્રીય આંકડાકીય સંસ્થા (NSO)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી અને પ્રકાશનની જવાબદારી NSO (National Statistical Office) ની છે.
- અગાઉ CSO (Central Statistical Office) અને NSSO એમ બે સંસ્થાઓ અલગ હતી, જેમને ૨૦૧૯ માં મર્જ કરી NSO બનાવવામાં આવી છે.
- તે નાણાકીય વર્ષ પૂરું થયા પછી વિવિધ અંદાજો (Estimates) જાહેર કરે છે.
૬. માથાદીઠ આવક (Per Capita Income)
- સૂત્ર: રાષ્ટ્રીય આવક / કુલ વસ્તી.
- તે દેશના લોકોનું સરેરાશ જીવનધોરણ દર્શાવે છે.
- ભારત અત્યારે વિશ્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે (GDP ના આધારે), પરંતુ વસ્તી વધુ હોવાથી માથાદીઠ આવક ઓછી છે.