અસહકાર આંદોલનના કારણો
૧૯૧૯ ની ઘટનાઓ બાદ ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ પ્રથમ 'અસહકાર' નું આહ્વાન કર્યું.
- રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગ: અંગ્રેજોની કઠોર નીતિ અને નિર્દોષોની હત્યાથી આખું ભારત રોષે ભરાયું હતું.
- ખિલાફત આંદોલન: વર્ષ ૧૯૧૯ માં તુર્કીના સુલતાન (ખલીફા) ના અપમાન વિરુદ્ધ ભારતીય મુસ્લિમોએ 'અલી ભાઈઓ' ના નેતૃત્વમાં આંદોલન કર્યું. ગાંધીજીએ તેને હિન્દુ-મુસ્લિમ એકતાની તક માની ટેકો આપ્યો.
- મોન્ટેગ્યુ-ચેમ્સફોર્ડ સુધારા (૧૯૧૯): આ સુધારાઓ ભારતીયોની આશાઓ સંતોષવામાં નિષ્ફળ રહ્યા.
આંદોલનનો પ્રારંભ અને કાર્યક્રમો
૧ ઓગસ્ટ ૧૯૨૦ ના રોજ આંદોલનની શરૂઆત થઈ, જે દિવસે લોકમાન્ય તિળકનું અવસાન થયું.
- વિધાયક કાર્યો: ખાદીનો પ્રચાર, રાષ્ટ્રીય શાળાઓની સ્થાપના (ગુજરાત વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ), અસ્પૃશ્યતા નિવારણ અને હિન્દુ-મુસ્લિમ એકતા.
- બહિષ્કાર: સરકારી નોકરીઓ, અદાલતો, શાળાઓ અને વિદેશી કાપડનો ત્યાગ. વિદેશી માલની હોળી કરવામાં આવી.
- ૧૯૨૦ ના નાગપુર અધિવેશનમાં કોંગ્રેસે આ આંદોલનને સત્તાવાર મંજૂરી આપી.
ચૌરી-ચૌરા કાંડ અને આંદોલનની સમાપ્તિ
૫ ફેબ્રુઆરી ૧૯૨૨ ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી-ચૌરા નામના ગામે હિંસક ઘટના બની.
- ઉત્તેજિત ટોળાએ પોલીસ ચોકીને આગ લગાડી, જેમાં ૨૨ પોલીસકર્મીઓ જીવતા સળગી ગયા.
- અહિંસાના પૂજારી ગાંધીજીએ આ હિંસાથી દુઃખી થઈને ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૨ ના રોજ આખું આંદોલન પાછું ખેંચી લેવાની જાહેરાત કરી (બારડોલી ઠરાવ).
સ્વરાજ પક્ષ (Swaraj Party)
આંદોલન પાછું ખેંચાયા બાદ કોંગ્રેસમાં બે જુથ પડ્યા.
- પરિવર્તનવાદી (Pro-changers): જેલમાંથી છૂટ્યા બાદ ચિતરંજન દાસ (સી.આર. દાસ) અને મોતીલાલ નહેરુએ ૧ જાન્યુઆરી ૧૯૨૩ ના રોજ 'સ્વરાજ પક્ષ' ની સ્થાપના કરી.
- તેમનો હેતુ ધારાસભામાં પ્રવેશીને અંગ્રેજ સરકારની ન્યાયી નીતિઓનો અંદરથી વિરોધ કરવાનો હતો.
આંદોલનની અસરો
જોકે આંદોલન સ્વરાજ અપાવી શક્યું નહીં, પરંતુ તેણે ભારતના ખૂણે-ખૂણે રાષ્ટ્રીય ભાવના પહોંચાડી. પ્રથમ વાર સામાન્ય જનતા, ખેડૂતો અને મહિલાઓ આટલી મોટી સંખ્યામાં આઝાદીની લડતમાં જોડાયા.